ગુલાબ બાદ હવે ગુજરાત પર શાહિન વાવાઝોડાનો ખતરો
ગુલાબ બાદ હવે ગુજરાત પર શાહિન વાવાઝોડાનો ખતરો
રાજ્યમાં ભારે વરસાદને લઇ સરકારની મહત્વની બેઠક
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક
વરસાદ-પવનની ગતિને કારણે સર્જાયેલી સ્થિતિની કરી સમીક્ષા
ગુલાબ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.ત્યારે ગુલાબ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા નવું શાહિન વાવાઝોડું ઊભું થયું છે.આજે બપોરે 1-00 વાગ્યે કચ્છના નલિયાના દરિયામાં શાહિન વાવાઝોડું ઉદભવશે જેની અસર દ્વારકાથી માંડી કચ્છના છેવાડાના દરિયાકિનારા સુધી રહેવાનું અનુમાન છે. ત્યારે રાજ્યમાં ભારે વરસાદને લઇ સરકારની મહત્વની બેઠક યોજાઇ હતી. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં અધિકારી હાજર રહ્યા હતા. જેમાં વરસાદ-પવનની ગતિને કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
કલેકટરને અપાયા આદેશ
ગુજરાતમાં વાવાઝોડાની અસરને કારણે વધુ વરસાદ અને કાલે ઉદવનારા શાહિન વાવાઝોડા સામે એલર્ટ રહેવા સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્થિતિનો તાગ મેળવાયો હતો. જેમાં પોરબંદર અને જૂનાગઢના કલેક્ટર સાથે કરી ટેલિફોનિક વાત કરી નીચાણવાળા વિસ્તારોમાં લોકોની સ્થિતિ પર નજર રાખવા સૂચના અપાઈ હતી અને સાથે જ જરૂર જણાય તો સ્થળાંતરણ કરવાની અને લોકો માટે ભોજન અને આશ્રયની વ્યવસ્થા ઊભી કરવાનો આદેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.સાથે શાહિન વાવાઝોડાને લઈને પણ બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
આજે બપોરે 1-00 વાગ્યે કચ્છના નલિયાના દરિયામાં શાહિન વાવાઝોડું ઉદભવશે
ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરનાં કારણે સપ્ટેમ્બરનાં છેલ્લા સપ્તાહમાં આખા રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે ગુજરાતમાં શાહીન વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. રાજ્યમાં આગામી ચાર દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે કછના અખાતમાં શાહીન વાવાઝોડું ઉદભવે તેવી પૂરેપૂરી સંભાવના છે. આજે બપોરે એક વાગ્યાની આસપાર નલિયાનાં દરિયામાં આ વાવાઝોડું ઉદ્ભવશે અને દરિયાકિનારાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. કચ્છ સહિત આખા સૌરાષ્ટ્રમાં આવતીકાલે ભારે પવન સાથે વરસાદ પડવાની સાંભવાના છે.
દ્વારકા,જામનગર,ગીર સોમનાથ,જૂનાગઢના દરિયા કિનારે પવન સાથે વરસાદ
વવાઝોડાના કારણે કચ્છના દરિયામાં 60થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આટલા પવન અને વરસાદનાં કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે નુકસાનની પણ ભીતિ છે. કચ્છની સાથે સાથે દ્વારકા,જામનગર,ગીર સોમનાથ,જૂનાગઢના દરિયા કિનારે પણ ભારેથી અતિભારે પવન સાથે વરસાદ પડશે. શાહીન વવાઝોડાની અસર સૌરાષ્ટ્રનાં દરિયાકિનારામાં જોવા મળશે જેમા સૌરાષ્ટ્રમાં 40થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. શુક્રવારે બપોરના સમયથી આ ખતરો શરૂ થવાની આગાહીના કારણે માછીમારોને દરિયામાં ન જવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે.
માંગરોળ અને પોરબંદરનાં દરિયાકિનારે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું
ગુજરાતમાં આજે શાહીન વાવાઝોડું સક્રિય થવાનું છે ત્યારે ગુજરાતનાં જુદા જુદા દરિયાકિનારાઓને હાઇ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. પોરબંદર બાદ હવે જુનાગઢનાં માંગરોળનાં બંદર પર પણ વાવાઝોડાની અસરને જોતાં ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. હાલમાં માછીમારોને કોઈ પણ સંજોગોમાં દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ સિવાય હાલ દરિયામાં ગયેલી બોટોને પરત બોલાવવા માટે પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં હવે શાહીન વાવાઝોડું આવતીકાલ સુધીમાં સક્રિય થાય તેવી પૂરેપૂરી સંભાવના છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં દરિયો પણ તોફાની બની રહ્યો છે ત્યારે પોરબંદરનાં બંદર પર વરસાદની આગાહીના કારણે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આટલું જ નહીં માછીમારોને પણ વહેલામાં વહેલી તકે જે તે નજીકના બંદર પર પહોંચી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે તથા હવે સમુદ્રમાં ન જવા માટે કહેવામાં આવ્યું છે



